રવિવાર, 29 જુલાઈ, 2012

ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 તારીખ : આજની જ. 
પ્રતિ,
તમોને જ
વિષય : જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર
પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના
મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર
એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા
સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
                                                                                                                                             એ જ લિ,
                                                                                                                                    ભગવાનની આશિષ.

શનિવાર, 28 જુલાઈ, 2012

કોઈ માણસ ક્યારેય એકસરખો રહી શકે નહી


બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારામાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
- ગની દહીંવાલા
ઘડિયાળ અને તારીખિયું એ વાતની ગવાહી આપે છે કે બધું જ સતત બદલાતું રહે છે. કંઈ જ સ્થિર અને કાયમી નથી. પ્રકૃતિ રંગ બદલતી રહે છે. મેઘધનુષ થોડાક સમય પછી ઓગળી જાય છે અને વાવાઝોડાનું આયુષ્ય પણ લાંબું નથી હોતું. ગુલાબની સાથે કાંટા પણ ખીલવાના જ છે અને ગુલાબની પાંદડીઓ પણ ખરવાની જ છે. સતત બદલાતું રહેવું એ સૃષ્ટિ, પ્રકૃતિ અને જિંદગીનો ઉથાપી ન શકાય એવો નિયમ છે.
બધું જ બદલાતું હોય તો પછી માણસ કેવી રીતે કાયમ માટે એકસરખો રહી શકે? સમયની સાથે માત્ર ઉંમર નથી વધતી પણ ઘણું બધું વધે છે. ઉંમરની સાથે બધું વધે જ એવું જરૂરી નથી. ઘણું બધું ઘટે પણ છે. ઓટ અને ભરતી એ માત્ર દરિયાનો નિયમ નથી,જિંદગીનો પણ એ જ નિયમ છે. સવાલ એ હોય છે કે ભરતી અને ઓટમાં તમે તમારી વિશાળતા કેટલી જીવંત રાખો છો? ઓટથી દરિયાની પહોળાઈ કદાચ થોડીક ઘટતી હશે પણ દરિયો એની ગહરાઈ ગુમાવતો નથી. તો પછી માણસ કેમ એના ખરાબ સમયમાં'ગ્રેસ' ગુમાવી દેતો હોય છે?
પ્રેમ પત્ર અને ડિવોર્સ પેપરમાં સહી એકસરખી જ હોય છે. ઘણી વખત તો પેન પણ એ જ હોય છે, માત્ર આંગળીઓનું કંપન અને દિલની ધડકન થોડીક બદલાયેલી હોય છે. જેને પ્રેમ કર્યો હોય એ જ અચાનક ઝેર જેવા લાગવા માંડે છે. સોગંદ, ખાતરી, ભરોસો,વિશ્વાસ અને બીજું ઘણું બધું અચાનક જ દફન થઈ જાય છે અને નફરત, અવિશ્વાસ, રોષ અને બદલાની ભાવના ઊગી નીકળે છે. જે લોકો સમયની સાથે ચાલી નથી શકતા એ પાછળ રહી જાય છે. પરિવર્તન ન સ્વીકારીએ તો પતન નિશ્ચિત છે. સવાલ એ હોય છે કે બદલાયેલી પરિસ્થિતિમાં તમે કેવા રહો છો?
એક ઝેન સાધુ હતા. ગામના પાદરમાં નાનકડું ઝૂંપડું બનાવીને સાધુ રહેતા હતા. એ ગામમાં એક કુંવારી છોકરી ગર્ભવતી થઈ ગઈ. આખા ગામમાં દેકારો મચી ગયો. છોકરી સાથે કોણે કુકર્મ કર્યું? આખી વાત ગામના પંચ સુધી પહોંચી. ન્યાય કરવા માટે પંચ બોલાવાયું. ગર્ભવતી છોકરીને પંચ સમક્ષ હાજર કરવામાં આવી. છોકરીને પૂછવામાં આવ્યું કે તારા પેટમાં જે બાળક છે એ કોનું છે? કોણે તારી સાથે આવું કર્યું? તું એ પાપીનું નામ આપ એટલે અમે તેને સજા કરીએ.
પંચ સમક્ષ એ છોકરીએ કહ્યું કે, મારા પેટમાં જે બાળક છે એ ગામના પાદરમાં રહેતા ઝેન સાધુનું છે. આખું ગામ ભેગું થઈ ગયું. ઉશ્કેરાયેલા બધા જ લોકો ઝેન સાધુના ઝૂંપડે પહોંચ્યા. ઝેન સાધુને માર માર્યો અને ઝૂંપડું સળગાવી દીધું. સાધુનો ગામ નિકાલ કર્યો. સાધુ કંઈ જ ન બોલ્યા. ન તો છોકરીના આક્ષેપનો વિરોધ કર્યો કે ન તો તેની વાતની સંમતિ આપી. ઘવાયેલા શરીરે અને લંગડાતી ચાલે એ ગામ છોડી ગયા અને જંગલમાં જઈ નવું ઝૂંપડું બાંધી રહેવા લાગ્યા.
સમય પસાર થયો. છોકરીએ બાળકને જન્મ આપ્યો. અચાનક જ એક દિવસ છોકરી પંચ સમક્ષ આવી અને કહ્યું કે, આ બાળક તો મારા પ્રેમી એવા ગામના યુવાનનું છે. અમે બંને સમાજથી ડરી ગયાં હતાં. આ બાળક કોઈનું કુકર્મ નથી. પણ અમારા નિર્દોષ પ્રેમનું પરિણામ છે. મને અને મારા પ્રેમીને અમારી ભૂલ સમજાઈ છે. હું પંચને વિનંતી કરું છું કે અમારા બંનેનાં લગ્ન કરાવી દે અને મારા બાળકને પિતાનું નામ અને પ્રેમ અપાવે.
પંચે બંનેનાં લગ્ન તો કરાવી દીધાં પણ સાથોસાથ પંચને એવું થયું કે આપણે પેલા નિર્દોષ સાધુને કોઈ ભૂલ વગર સજા આપી એનું શું? જેનો કોઈ વાંક ન હતો એને આપણે માર માર્યો અને તેનું ઘર સળગાવી દીધું. ગામના બધા જ લોકો જંગલમાં જઈ ઝેન સાધુને મળ્યા. સાધુની માફી માંગી. ગામમાં પાછા પધારવા આજીજી કરી અને વાજતે ગાજતે ગામમાં લઈ આવ્યા.
પંચના એક માણસે સાધુને પૂછયું કે તમે કેમ કંઈ ન બોલ્યા? તમને ગુસ્સો ન આવ્યો? તમારી સાથે અન્યાય થયો તો પણ તમે ચૂપ રહ્યા? સાધુએ હસીને કહ્યું કે, એ તો સમય હતો જે બદલાયો હતો પણ હું સમય સાથે શા માટે બદલું? આ એ જ લોકો છે જે મને અત્યારે વાજતે ગાજતે ગામમાં લઈ જાય છે અને એ બધા પણ આ જ ગામના લોકો હતા જેણે મને માર મારીને ગામમાંથી કાઢી મૂક્યો હતો. સમયના એવા ઘણા સવાલો હોય છે જેના જવાબ માત્ર સમય જ આપી શકે. તમે એના જવાબ આપવા જાવ તો પણ કોઈ સાચા ન માને. મહત્ત્વનું એ જ હોય છે કે તમે સાચા હોવા જોઈએ. સમયની સાથે બધું બદલાય છે એ સાચું પણ તમે કેવા રહો છો એ મહત્ત્વનું હોય છે. ઘણા લોકો સમયની સાથે વળી જતાં હોય છે અને પછી સીધા થઈ શકતા નથી. ગરમીમાં લોખંડનો સળિયો વળી જાય છે પણ ઠંડીમાં એ પાછો સીધો થઈ શકતો નથી. ગરમી તો આવે ને જાય, તમે ઝૂકી કે વળી ન જવા જોઈએ.
સમયની સાથે બદલવું જોઈએ એ સાચું પણ આપણી જાત તો હોય એવી જ રાખવી જોઈએ. ગમે તે થાય મારા અમુક ગુણો અને અમુક નિર્ણયો સાથે હું કોઈ સમાધાન નહીં કરું. એ વાત સાચી કે જિંદગીને વહેવા દેવી જોઈએ પણ સાથોસાથ એ વહેણનો અંત ક્યાં છે એ પણ વિચારતા રહેવું જોઈએ. ઝરણું વહીને તળાવ કે નદીને મળે તો જ તેની સાર્થકતા છે, તેનું વહેણ ગટરમાં ન જવું જોઈએ. કેટલું બદલવું, ક્યારે બદલવું અને શું બદલવું એ જ અંતે તમારી ઓળખ બનવાનું છે.
સમય સાથે સમજણ વધવી જોઈએ. આપણી તકલીફ એ હોય છે કે જ્યાં બદલાવાનું હોય ત્યાં આપણે બદલાતાં નથી અને જ્યાં બદલાવાનું ન હોય ત્યાં આપણે બહુ ઝડપથી બદલાઈ જતાં હોઈએ છીએ. માત્ર થોડાક સ્વાર્થ અને થોડીક લાલચમાં આપણે આપણું સ્વાભિમાન અને આપણું અસ્તિત્વ સુધ્ધાં નેવે મૂકી દઈએ છીએ. યાદ રાખો, જે લોકો વારંવાર બદલાઈ જતાં હોય છે એ બહુ ઝડપથી બટકી જાય છે.
સાચા બદલાવનો સ્વીકાર કરો અને ખોટા બદલાવ સામે સ્થિર અને સક્ષમ રહો. જતું કરવું એ પણ એક જાતનો બદલાવ જ છે. આશ્ચર્યની વાત એ છે કે માણસ તેની ખરાબ પરિસ્થિતિ કરતાં સારી પરિસ્થિતિમાં વધુ બદલાઈ જાય છે. થોડીક સંપત્તિ વધે કે થોડોક હોદ્દો ઊંચો જાય એટલે માણસમાં ગુમાન આવી જાય છે. હવે હું પહેલાં જેવો નથી, હવે હું મોટો માણસ થઈ ગયો છું. મારું સ્થાન ઊંચું છે. ઘણા લોકોનું સ્થાન જેમ ઊંચું જાય તેમ એની જાત નીચી પડતી જતી હોય છે. સ્થિતિ બદલાય એટલે રહેણીકરણી થોડીક બદલાય એ સ્વાભાવિક છે. પણ બેઝિકલી માણસ જેવો હોય એવો જ રહેવો જોઈએ. નવું અપનાવો પણ જૂનું જે સારું છે એને ગુમાવી ન દો, કારણ કે જે જૂનું છે એ પરખાયેલું અને નીવડેલું છે, નવું છે એ તો હજુ ઓળખાવવાનું બાકી છે.
તમારી વ્યક્તિનો બદલાવ પણ તમે એક હદ સુધી સ્વીકારો. માણસથી ક્યારેક ભૂલ થતી હોય છે, માણસ ક્યારેક માર્ગ ચૂકી જતો હોય છે, જો એવું થાય અને એ પાછો પોતાના માર્ગે આવે તો એને અપનાવો. જે પોતાનું હોય છે એ પોતાનું જ રહે છે. એક વખત જે છૂટી જાય તેને કાયમ માટે અળગું ન થવા દો. અલબત્ત, જતું કરવાની એક હદ હોય છે. એ હદ આપણે જ નક્કી કરવાની હોય છે કે ક્યાં સુધી જતું કરવું. આપણી જતું કરવાની વૃત્તિ પણ મુર્ખામીમાં ન ખપવી જોઈએ.
આપણે ધ્યાન એ જ રાખવાનું હોય છે કે ગમે એવી પરિસ્થિતિમાં આપણે જેવા છીએ એવા જ રહીએ. ઘણાં લોકો ફ્રીઝ થઈ જતા હોય છે. એ ઓગળી શકતા નથી. સમય મુજબ ઓગળવું પણ જોઈએ. તમારામાં આવતાં પરિવર્તનોને તમે ધ્યાનથી જોઈ શકો છો?તમને એ વસ્તુ સમજાય છે કે તમારામાં જે પરિવર્તનો આવે છે એ વાજબી છે કે ગેરવાજબી? યોગ્ય છે કે અયોગ્ય? તમારા બેસ્ટ જજ તમે જ બની શકો અને તમે તમારી સાથે જ ખોટો ન્યાય ન કરી બેસો એની કાળજી તમારે જ રાખવાની હોય છે, કારણ કે સરવાળે બધાં પરિણામો આપણે જ ભોગવવાનાં હોય છે. કોઈ માણસ કાયમ એકસરખો રહેતો નથી, રહી શકતો પણ નથી. છતાં આપણાં અમુક મૂલ્યો, સિદ્ધાંતો, આદર્શો, ગુણો અને જેનું આપણને ગૌરવ હોય એવી ગરિમા ક્યારેય ગુમાવવી ન જોઈએ. આપણું ખરું મૂલ્ય અંતે તો આપણે જ નક્કી કરતાં હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે કેવા રહેવું છે?
છેલ્લો સીન
વાંકી વળી ગયેલી સોટીને સીધી કરવા માટે આપણે તેને ઊલટી દિશામાં વાળવી પડે છે. - ડેવિડ હાર્ડિમેન
                 * કૃષ્ણકાંત ઉનડક્ટ * 

સોમવાર, 23 જુલાઈ, 2012

ભૂરા પતંગિયા


હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.
એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.
એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.
મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’
ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.
સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’
- અખિલ શાહ  

પગફેરો


દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!
-એષા દાદાવાળા

શનિવાર, 21 જુલાઈ, 2012

અનુભવ

  અનુભવ માનવીના જીવનમાં સ્પીડબ્રેકરનું કામ કરે છે . ક્યારેક ભૂતકાળનો અનુભવ યાદ આવે અને ક્યારેક આગળ વધતા અટકી જઈએ છીએ . જયારે કે ક્યારેક અનુભવ જ માણસને આગળ વધારવા લાભકારક નીવડે છે . અનુભવ હમેશા એક શીખ આપણને આપે છે .જો કે ક્યારેક ખરેખર અનુભવ યોગ્ય દિશામાં કામ કરતા અટકાવે પણ છે . તેમ છતાં દૂધનો દાઝ્યો છાશ ફૂકી ફૂકીને પીએ તો છે જ ..અનુભવની જીવનમાં જો બાદબાકી થઇ જાય તો જવાબદાર કોણ ? નિર્બળતાને ટેવ ન બનવા દો . અનુભવને પ્રાધાન્ય તો આપો જ ....

બોલતી ગુફા



એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે.

એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. ‘અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ.’ સિંહ ગુફામાં જઈ બેસી ગયો.

સાંજે શિયાળ આવ્યું. એણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી. માટે સિંહ ગુફામાં જ છે. શિયાળ ચેતી ગયું. તેણે નક્કી કર્યું, ‘અત્યારે ગુફામાં જવાય નહિ.’

આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહિ, એટલે તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ‘ગુફા રે ગુફા! આજે કેમ બોલી નહિ? રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો! આવો! આજે તને શું થયું છે? તું નહિ બોલે તો હું પાછું ચાલ્યું જઈશ.’

સિંહ વિચારમાં પડ્યો, ‘ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી. તો લાવ ગુફાને બદલે હું જ બોલું. નહિ બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે’ એટલે સિંહ બોલ્યો, ‘આવો! આવો!’

સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે. તેથી તે ત્યાંથી ઊભી પૂછડિયે ભાગ્યું.

થોડીવાર થઈ. શિયાળ ગુફામાં આવ્યું નહિ. એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જોયું તો શિયાળ દેખાયું નહિ. આમ સિંહ ભૂખ્યો રહ્યો. સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી. શિયાળની યુક્તિ સફળ થઈ. શિયાળ બચી ગયું.

શિયાળ બોલ્યું, ‘જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.’

શનિવાર, 14 જુલાઈ, 2012

મેઈડ ઇન ચાઈના

મ્યુઝીયમમા 
શબરીએ રામના માટે 
ચાખેલા થોડા 
બોર હતા ..
નીચે તકતીમાં લખેલું :
' શબરીએ ચાખેલા બોર '
બોર ઉપર મેં વાચ્યું :
" મેઈડ ઇન ચાઈના " !!!
                * સુરેશ ઝવેરી 

આકાશ

આકાશ દયાળુ છે 
નહિતર 
આપણે  માટે 
ધગધગતો સૂરજ 
કાતિલ ઠંડકથી 
દઝાડતો ચંદ્ર 
છાતીએ ચાંપે ?
વરસાદ માટે 
છાતીમાં કાણાં શું 
કામ પાડે ?
અને આપણી  
આડોડાઈ તો જુઓ :
આપણા  પર પડતા 
તમામ દુઃખનો દેનારો ક્યાં ?
એમ પૂછાય 
ત્યારે 
આપણે  આંગળી 
તો 
આકાશ 
સામે જ ચીધીયે છીએ .............
                   * ચિનુ મોદી 

દીકરી


રાત્રે દશ વાગ્યે આશ્રમના ફોનની ઘંટડી રણકી.
‘હરિ ઑમ’
‘હેલો !’ ને સ્થાને ‘હરિ ઓમ’ કહેવું અને સાંભળવું ગમે છે !
સામેથી પ્રતિભાવ મળ્યો : ‘હરિ ઓમ ! હરિ ઓમ !….. સાહેબ, મારે ભાણદેવજી સાથે વાત કરવી છે. આ તેમનો જ આશ્રમ છે ને ? ભાણદેવજી સાથે વાત થઈ શકશે ?’
‘હું ભાણદેવ બોલું છું.’
‘ઓ હો હો ! નમસ્તે ! નમસ્તે ! આપને મારા કોટિ કોટિ નમસ્કાર !’
‘કોટિ નમસ્કાર કૃષ્ણને ! આપણે માટે તો ‘હરિ ઓમ’ જ બરાબર છે.’
‘ધન્ય હો ! ધન્ય હો ! સ્વામીજી ! હું….થી….. બોલું છું. મેં આપનું પુસ્તક ‘ગંગાસતીનું અધ્યાત્મ દર્શન’ વાંચ્યું છે, હૃદયમાં વસી ગયું છે. ભાણદેવજી ! મહારાજ ! એક વાર હું આપનાં દર્શન કરવા ઈચ્છું છું. મારે આપના આશ્રમે આવવું છે. આપ મને રજા આપો.’
‘અરે ! મારા ભાઈ ! દર્શન તો ભગવાનનાં કરાય. માનવીનાં વળી દર્શન શું ? પણ તમે આવો. આપણે મળશું.’
‘હાજી ! હાજી ! આપણા વેણ માથે ચડાવું છું. હું આપના આશ્રમે જરૂર આવીશ. આપને ક્યારે મળવું અનુકૂળ પડે ?’
‘મળવાનો સમય સાંજે 4.00 થી 6.00.’
‘ભલે બાપુ ! ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી !’
ચારેક દિવસ પછી રાત્રે ફરીથી ફોન આવ્યો.
‘હરિ ઓમ.’
‘હું……થી….. બોલું છું. મેં આપને ચાર દિવસ પહેલાં ફોન કર્યો હતો. હું સરકારી નોકરી કરું છું. મને રવિવારે આવવું અનુકૂળ પડે. આવતી કાલે રવિવાર છે. આપ રજા આપો તો આવતી કાલે સાંજે ચાર વાગ્યે આપના આશ્રમે અમે આવીએ.
‘ભલે, આવો.’
‘ભલે, બાપુ ! નમસ્કાર !’
‘હરિ ઓમ.’
બીજે દિવસે સાંજે તેઓ પોતાના બે મિત્રો સાથે આશ્રમે આવી પહોંચ્યા. અમે આશ્રમના પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે જ બેઠા. અન્યોન્ય કુશળ સમાચાર પૂછ્યા. પહેલાં તો તેમણે આશ્રમનાં ઘેઘૂર લીલાં વૃક્ષો જોઈને આનંદ વ્યક્ત કર્યો, પ્રસન્નતા વ્યક્ત કરી. પછી મૂળ વાતનો આરંભ કરતાં તેઓ બોલ્યા : ‘બાપુ ! પહેલાં તો મારે મારા જીવનની દાસ્તાન કહેવી છે. કહીને હળવા થવું છે. આપ મારી જીવનકથની સાંભળવાની કૃપા કરો. પછી સત્સંગ કરશું.’
‘અરે જીવનની કથા એ જ સૌથી મોટો સત્સંગ છે. જીવનને બાજુમાં મૂકીને સત્સંગ આપણે નથી કરવો; આપણે તો જીવનનો સત્સંગ કરવો છે. તમે જરા પણ સંકોચ વિના જીવનકથની કહો. એ જ સત્સંગ છે.’
‘વાહ બાપુ ! ધન્ય બાપુ ! આપે મને હળવો કરી દીધો. હવે સંકોચ વિના મારી દાસ્તાન કહી શકીશ.’
આટલી ભૂમિકા પછી તેમણે પોતાની જીવનકથની કહેવાનો પ્રારંભ કર્યો.
‘હું સરકારી નોકરી કરું છું. હું એક નંબરનો લાંચિયો અધિકારી હતો. હું બેફામ દારૂ પીતો. દારૂ વિના કોઈ દિવસ ખાલી ન જાય. સાંજના ચાર વાગે અને મને દારૂની તલપ ચડે. તલપ એટલે કેવી ? રહેવાય નહીં તેવી. જેમ રોજ સાંજ પડે, તેમ મારે રોજ દારૂ જોઈએ જ. તમે માનશો બાપુ ? હું હનુમાનચાલીસાનો પાઠ દારૂ પીને કરતો. માંસાહાર પણ ખૂબ કરતો. દારૂ પીવો, માંસ ખાવું એટલે ધન પણ જોઈએ. એટલે લાંચ પણ ખૂબ લીધી છે. દારૂ-માંસ-લાંચ – આ ત્રણમાં મારું જીવન રગદોળાઈ ગયું. ઘર આખું દુ:ખી દુ:ખી થઈ ગયું. મને પણ વચ્ચે વચ્ચે મનમાં થતું – આ ખોટું થાય છે, પણ તેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જણાતો નહીં. પણ ઉપરવાળો કૃપાળુ છે. એક ધડાકે હું આ ત્રણેય બદીઓથી સાવ મુક્ત થઈ ગયો. હું તો સુખી થયો, પણ આખું કુટુંબ રાજી રાજી થઈ ગયું.’
મેં તેમની અભિવ્યક્તિને પ્રોત્સાહન આપતાં કહ્યું : ‘પણ આ બધું બન્યું કેવી રીતે ? તમે આમાંથી મુક્ત થયા કેવી રીતે ?’
‘હા બાપુ ! એ જ તો કહું છું. એ જ તો મારે કહેવું છે !’ આટલું બોલી તેઓ થંભી ગયા. થોડી વાર અટકીને તેમણે બોલવાનો પ્રારંભ કર્યો, પણ મુખમાંથી શબ્દો નીકળે ત્યાર પહેલાં તો આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. ગળે ડૂમો ભરાઈ ગયો. આંસુને ખાળવાનો અને ડૂમાને નિવારવાનો પ્રયત્ન કરવા લાગ્યા; પરંતુ તેમ ન બની શક્યું. ચોધાર આંસુ વહેવા લાગ્યાં અને પછી તો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. જાણે બંધ છૂટી ગયા. આંસુ વહી ગયાં. ધ્રુસકાં શાંત થઈ ગયાં અને પોતે પણ શાંત થઈ ગયાં. આંસુ લૂછીને, થોડું પાણી પીને તેમણે પ્રારંભ કર્યો : ‘અષાઢ માસના શુકલ પક્ષની ત્રયોદશીથી કૃષ્ણપક્ષની દ્વિતિયા સુધી કન્યાઓ જયાપાર્વતીનું વ્રત કરે છે. તદનુસાર મારી દીકરીએ પણ વ્રતનો પ્રારંભ કર્યો. દીકરી સોળ વર્ષની છે. આપણે સૌ જાણીએ છીએ કે કન્યાઓ ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. કહેવાય છે કે ભગવતી પાર્વતીજીએ પતિરૂપે શિવજીને પામવા માટે આ વ્રત કર્યું હતું. દીકરી વ્રત કરે છે. અમે સૌ તેના વ્રતમાં સહાયભૂત થઈએ. મને મારી દીકરી પર ખૂબ હેત. પિતાને દીકરી પર હેત જ હોય ને !
વ્રતના આ દિવસો દરમિયાન એક વાર મારી આ દીકરી, એની મા, મારો દીકરો અને મારી બીજી નાની દીકરી સૌ બેઠાં હતાં. મેં મારી દીકરીને પૂછ્યું : ‘બેટા ! તમે સૌ દીકરીઓ આ જયાપાર્વતીનું વ્રત શા માટે કરો છો – એની તને ખબર છે ?’ દીકરી પહેલાં તો શાંત રહી, જાણે અંતરમાં કંઈક શોધતી હોય તેમ શાંત રહી. અને પછી જાણે શોધીને બહાર લાવી હોય તેમ બોલી, ‘પપ્પા ! સૌને ખબર છે, તેમ મને પણ ખબર છે કે અમે સૌ કન્યાઓ સારો પતિ મેળવવા માટે વ્રત કરીએ છીએ. પણ એ તો બહુ દૂરની વાત છે. મારા મનમાં એવો કોઈ ભાવ નથી.
‘તો બેટા ! તારા મનમાં શો ભાવ છે ?’
દીકરી ગંભીર બની ગઈ. તેનો લાલ ચહેરો વધુ લાલ બની ગયો. આંખો સ્થિર અને પહોળી બની ગઈ. તે ગંભીર ભાવે અને જોશભેર બોલી :
‘પપ્પા, એ ભાવને તમે સમજી શકશો ? એ ભાવને તમે ઝીરવી શકશો ?’
મને લાગ્યું કે દીકરી કોઈક વિશેષ મહત્વપૂર્ણ વાત કહેવા માગે છે. અમે સૌ ગંભીર અને આતુર બની ગયાં. વાતાવરણ કાંઈક ગંભીર અને ઉત્તેજનાપૂર્ણ બની ગયું. હું કાંઈક ખાસિયાણો પડી ગયો. પણ આખરે મેં કહ્યું : ‘હા, દીકરી ! તારા ભાવને હું જરૂર સમજીશ. દીકરીના ભાવને બાપ ન સમજે તો બીજું કોણ સમજે ?’
દીકરીને જાણે સત ચડ્યું. તેની આંખોમાંથી તેજનાં કિરણો ફેલાવા લાગ્યાં અને જાણે તેની નાભિમાંથી વાણી નીકળી : ‘તો સાંભળી લો, પપ્પા ! હું સારો પતિ મેળવવા માટે નહિ, પરંતુ સારો પિતા મેળવવા માટે આ જયા-પાર્વતીનું વ્રત કરું છું. હું જગદંબા ભવાની પાસે કાકલૂદી કરીને રોજ રોજ માંગું છું – મને સારો પિતા આપ. મારા પિતા દારૂમાંથી મુક્ત થાય, મારા પિતા માંસાહારમાંથી મુક્ત થાય, મારા પિતા લાંચની બદીમાંથી મુક્ત થાય. જોગમાયા ! જો મારું વ્રત સાચું હોય, જો તું મારા વ્રતથી પ્રસન્ન હો તો મા ! મને એટલું આપ – મારા પિતા પવિત્ર જીવન પામે અને તેમના થકી અમારા આખા પરિવારમાં પવિત્રતા અને પ્રસન્નતા છલકાઈ ઊઠે.’ દીકરીની આંખોમાંથી શ્રાવણભાદરવો વહેવા માંડ્યો. અમે સૌ સ્તબ્ધ બની ગયાં. આ દીકરીના હૃદયમાંથી જાણે જગદંબા ભવાની જ બોલતાં હોય તેમ અમને લાગ્યું. દીકરીના સાવ સાચુકલાં આંસુ અને તેના આંસુભીના શબ્દોએ મારા હૃદયને ભેદી નાખ્યું. મેં ચોધાર આંસુએ રડતાં રડતાં દીકરીને વચન આપ્યું, ‘બેટા ! મારી દીકરી ! મારી મા ! તારું જયા-પાર્વતીનું વ્રત ફળ્યું છે. હું તને જગદંબાની સાક્ષીએ વચન આપું છું – આજથી દારૂ, માંસ અને લાંચ મારે હરામ છે. તું તો અમારા કુળની દેવી છે ! હવેથી આ જન્મે કદી દારૂ પીશ નહિ. માંસાહાર કરીશ નહિ અને લાંચ સ્વીકારીશ નહિ.’
દીકરી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં મને ભેટી પડી. આખું કુટુંબ ધ્રુસકે ચડ્યું. કોણ કોને છાનું રાખે ? આખરે તેની મા શાંત થઈ ગઈ. તેણે અમને સૌને શાંત કર્યા, છાનાં રાખ્યાં. આ અમારા કુટુંબનું છેલ્લું સમૂહ રુદન હતું. હવે કુટુંબમાં પવિત્રતા છે. સાત્વિકતા છે અને તેથી ભરપૂર પ્રસન્નતા છે. પોતાના જીવનની આ કથની તેમણે કહી. આટલું કહેતાં કહેતાં તેમની આંખોમાં ફરી આંસુ છલકાયાં. હવે બોલવાનો વારો મારો હતો. મેં કહ્યું : ‘આ તમારી દીકરીએ માતાનું કામ કર્યું છે. ગાંધીજી જ્યારે ભણવા માટે ઈંગલેન્ડ ગયા ત્યારે તેમની માતા પૂતળીબાઈએ તેમને ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી કે માંસ નહિ ખાઉં, દારૂ નહિ પીઉં અને ચારિત્ર્ય જાળવીશ. આ તમારી દીકરીએ માતા પૂતળીબાઈનું કાર્ય કર્યું છે. હવે આ પ્રતિજ્ઞાઓ પાળજો. તમે ભાગ્યવાન છો કે તમને આવી દીકરી મળી છે. ભગવાન સૌ ગૃહસ્થોને આવી દીકરીઓ આપે !’.
                                                 * ભાણદેવ 
                                                ( સત્યઘટના : 'અખંડ આનંદ જૂન - 2009 માંથી સાભાર )

                            

જય શ્રીકૃષ્ણની સેવા


ઉનાળાના બળબળતી બપોરે ધૂળના ગોટેગોટા ઉડાડતી એસ.ટી. બસ કડી ગામની નજીક લીમડાની શીતળ છાયામાં ભારે અવાજ કરીને જાણે કે થાક ઉતારવા ઊભી હોય એમ ઊભી રહી ગઈ ! ત્યાં જ આ બસ આવવાની રાહ જોતો જ ઊભો હોય એમ એક માણસ સ્વચ્છ ચમકતા પ્યાલા તથા ઠંડા પાણીની ડોલ લઈને ઊભો હતો. તરસ અને ગરમીથી વ્યાકુળ મુસાફરો પાણી માગવા લાગ્યા. પાણી પાનાર વ્યક્તિ પાણી આપતાં બધાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતો. આ વૈષ્ણવજન પહેલેથી જ જાણે આ પરિસ્થિતિથી વાકેફ હોય એ રીતે શાંતિથી અને જેટલી ઝડપ શક્ય હતી એ ઝડપ અને તત્પરતાથી પાણી પાઈ રહ્યો હતો, જેથી બસમાંનું કોઈ પણ મુસાફર પાણી પીધા સિવાય ના રહી જાય.
હંમેશની ટેવ મુજબ કેટલાક મુસાફરો પાણી પીધા પછી, આ પાણી પાનારને કંઈક પૈસા આપવા લાગ્યા, પણ એણે નમ્રતાથી ‘જય શ્રીકૃષ્ણ’ કહી પૈસા લેવાની ના પાડી દીધી. આ જોઈને હું વિચારમાં પડી ગયો. અસહ્ય મોંઘવારીના આ જમાનામાં થોડું કામ કરીને ઘણું મેળવનારા પડ્યા છે. આવી સ્થિતિમાં મહેનતનો બદલો મળે એ પણ લેવા માટે ના પાડે એવા આ માનવીનું વર્તન આશ્ચર્યજનક હતું. એટલા માટે મુસાફરો, જે ખુશ થઈને આપે છે, એ લઈ લેવા માટે મેં એમને સલાહ આપી. મને એ પાણી પાનારા ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ, હું, મારી પત્ની અને મારી દીકરી – એમ ત્રણ સભ્યો જ મારા કુટુંબમાં છીએ. હું તાલુકા પંચાયતમાં પટાવાળાનું કામ કરું છું. એનાથી અમારા ત્રણેનું ભરણપોષણ થાય, એટલું તો મળે જ છે. મારી પત્ની નવરાશના સમયમાં ગોપાલ લાલજીની હવેલીમાં સેવાપૂજા કરે છે. ગોપાલ લાલજીની કૃપાથી અમારું ગુજરાન સારી રીતે ચાલે છે. હવે વધારે મેળવવાનો લોભ શા માટે કરવો જોઈએ ?’
એના વિશે મને વધુ જાણવાની ઉત્કંઠા જાગી. બસમાં બેઠેલા પ્રવાસીઓને પૂછતાં, એકે કહ્યું કે, નોકરીના સમયમાંથી સમય કાઢીને, છેલ્લાં પાંચ વરસથી કોઈ પણ જાતના વળતર વિના, ફક્ત આ કાર્યને પ્રભુસેવા ગણીને, આ ભાઈ પાણી પાવાનું આ કામ કરે છે. બપોરના તો તે જરૂર હાજર રહે છે. મેં એને વંદન કરી ‘જય શ્રીકૃષ્ણ’ કહ્યા.....
                                                 - યશવંત કડીકર
                                                   અખંડ આનંદ (ફેબ્રુઆરી-2011)માં પ્રકાશિત થતા સત્ય ઘટનાઓ પર આધારિત                        વિભાગ ‘જોયેલું ને જાણેલું’માંથી સાભાર.
                           

સુવિચાર

*  જૂના કપડા પહેરો પરંતુ નવા પુસ્તકો ખરીદો .
*   માનવીનું જીવન એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક .
*  મુશ્કેલીનો સામનો કરવો એનું નામ જિંદગી ..

શનિવાર, 7 જુલાઈ, 2012

કિશ્તી

આ કિશ્તી ઓર છે , જેની તૂફાનો પ્રેરણા છે ,
ખરાબા ને ખડકો વચ્ચે થઇ વહેવું ગમે છે !
                   - કરસનદાસ માણેક 

વેદના

આશા ઉપર જીવન હતું એ પણ મરી ગઇ,

દિલને જરા મળી હતી એ બાંહેધરી ગઇ;


મારા વિના ના ગમ્યું તને ક્યાંય વેદના !

ઘર દિલનું જોઇ લીધું અને ઘર કરી ગઇ !!…

                          -અજ્ઞાત