શનિવાર, 14 જુલાઈ, 2012

જય શ્રીકૃષ્ણની સેવા


ઉનાળાના બળબળતી બપોરે ધૂળના ગોટેગોટા ઉડાડતી એસ.ટી. બસ કડી ગામની નજીક લીમડાની શીતળ છાયામાં ભારે અવાજ કરીને જાણે કે થાક ઉતારવા ઊભી હોય એમ ઊભી રહી ગઈ ! ત્યાં જ આ બસ આવવાની રાહ જોતો જ ઊભો હોય એમ એક માણસ સ્વચ્છ ચમકતા પ્યાલા તથા ઠંડા પાણીની ડોલ લઈને ઊભો હતો. તરસ અને ગરમીથી વ્યાકુળ મુસાફરો પાણી માગવા લાગ્યા. પાણી પાનાર વ્યક્તિ પાણી આપતાં બધાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતો. આ વૈષ્ણવજન પહેલેથી જ જાણે આ પરિસ્થિતિથી વાકેફ હોય એ રીતે શાંતિથી અને જેટલી ઝડપ શક્ય હતી એ ઝડપ અને તત્પરતાથી પાણી પાઈ રહ્યો હતો, જેથી બસમાંનું કોઈ પણ મુસાફર પાણી પીધા સિવાય ના રહી જાય.
હંમેશની ટેવ મુજબ કેટલાક મુસાફરો પાણી પીધા પછી, આ પાણી પાનારને કંઈક પૈસા આપવા લાગ્યા, પણ એણે નમ્રતાથી ‘જય શ્રીકૃષ્ણ’ કહી પૈસા લેવાની ના પાડી દીધી. આ જોઈને હું વિચારમાં પડી ગયો. અસહ્ય મોંઘવારીના આ જમાનામાં થોડું કામ કરીને ઘણું મેળવનારા પડ્યા છે. આવી સ્થિતિમાં મહેનતનો બદલો મળે એ પણ લેવા માટે ના પાડે એવા આ માનવીનું વર્તન આશ્ચર્યજનક હતું. એટલા માટે મુસાફરો, જે ખુશ થઈને આપે છે, એ લઈ લેવા માટે મેં એમને સલાહ આપી. મને એ પાણી પાનારા ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ, હું, મારી પત્ની અને મારી દીકરી – એમ ત્રણ સભ્યો જ મારા કુટુંબમાં છીએ. હું તાલુકા પંચાયતમાં પટાવાળાનું કામ કરું છું. એનાથી અમારા ત્રણેનું ભરણપોષણ થાય, એટલું તો મળે જ છે. મારી પત્ની નવરાશના સમયમાં ગોપાલ લાલજીની હવેલીમાં સેવાપૂજા કરે છે. ગોપાલ લાલજીની કૃપાથી અમારું ગુજરાન સારી રીતે ચાલે છે. હવે વધારે મેળવવાનો લોભ શા માટે કરવો જોઈએ ?’
એના વિશે મને વધુ જાણવાની ઉત્કંઠા જાગી. બસમાં બેઠેલા પ્રવાસીઓને પૂછતાં, એકે કહ્યું કે, નોકરીના સમયમાંથી સમય કાઢીને, છેલ્લાં પાંચ વરસથી કોઈ પણ જાતના વળતર વિના, ફક્ત આ કાર્યને પ્રભુસેવા ગણીને, આ ભાઈ પાણી પાવાનું આ કામ કરે છે. બપોરના તો તે જરૂર હાજર રહે છે. મેં એને વંદન કરી ‘જય શ્રીકૃષ્ણ’ કહ્યા.....
                                                 - યશવંત કડીકર
                                                   અખંડ આનંદ (ફેબ્રુઆરી-2011)માં પ્રકાશિત થતા સત્ય ઘટનાઓ પર આધારિત                        વિભાગ ‘જોયેલું ને જાણેલું’માંથી સાભાર.
                           

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો