મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

શેતાનના સાધનો

           એક વખત શેતાને પોતાના સાધનો વેચવા કાઢ્યા . નવા સાધનો વસાવતા પહેલા થોડાક જુના સાધનો ઓછા કરી નાખવા એવું એને નક્કી કર્યું હતું .

            વેચાણની તારીખે બધા ભેગા થયા . શેતાને વેચવાના સાધનોને જુદા જુદા ટેબલ પર ગોઠવી દીધા . દરેક સાધન સાથે એની ટુકી વિગત મુકવામાં આવી હતી . દરેકની કિંમત પણ જોડાજોડ લખેલી હતી .

            ખરીદવા આવેલા બધા એ સાધનોને જોઇને તપાસતા હતા .

            ઈર્ષ્યા , ધિક્કાર , અભિમાન લોભ , જુઠ્ઠાણું એવા બધા સાધનોથી દુએ સાવ એક ઘસાઈ ગયેલું સાધન પડ્યું હતું . એની પાસે એની વિગત નહોતી લખેલી , પરંતુ એની કિંમત લખેલી હતી . બાકી બધા સાધનોની કિંમત ખુબ સામાન્ય હતી , પણ આ ખુબ વપરાયેલા લાગતા અને સાવ ઘસાઈ ગયેલા સાધનની કિંમત ખુબ જ ઉંચી રાખવામાં આવી હતી .

           નવાઈથી બધાએ શેતાનને પૂછ્યું , " આ આટલા બધા જુના આને સાવ ઘસાઈ ગયેલા સાધનની આટલી ઉંચી કિંમત શા માટે ? અને આ સાધનથી શું કરી શકાય ?"

           શેતાને હસીને કહ્યું ," એ સાધન મારું સૌથી પ્રિય સાધન છે અને હું એનો ખુબ જ ઉપયોગ કરતો હોઉં છું . ઉપરાંત મારું એ સાધન ભાગ્યે જ નિષ્ફળ જાય છે !!"

         હવે બધાને ખુબ જ કૂતુહુલ થયું . એક જણે શેતાનને પૂછી જ લીધું, " પરંતુ એનાથી શું કરી શકાય ?"

         " કોઈને નાહિંમત કરી શકાય , નાઉમ્મીદ કરી શકાય ! " ખડખડાટ હસતા શેતાને કહ્યું ," મારા એ સાધનનું નામ છે હતાશા ! અને મજાની વાત તો એ છે કે એ મારું સાધન છે એની બહુ ઓછા  લોકોને ખબર હોય છે ! "

                       હૂંફાળા અવસરમાંથી ....
                        - આઈ . કે . વીજળીવાળા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો