રવિવાર, 6 મે, 2012

વિચિત્ર હોશ

          અમારા આ ઘરની ગલીમાં થઈને હું જયારે નિશાળે જાઉં છું , 

ત્યારે  રોજ  દશ વાગે ફેરીવાળાને ફેરી લઈને જતો  જોઉં છું . 

           "બંગડી લો , બ  . . . ગડી  ! બંગડી લો બ . . . ગડી  !" એવી 

બૂમો પાડે છે . એની ટોપલીમાં ચિનાઈ માટીના રમકડા છે .

           એને મન ફાવે તે રસ્તે એ જાય છે ; અને મન ચાહે ત્યારે ઘેર 

જઈને ખાઈ છે .

        દશ વાગે કે સાડા દશ વાગે  , - એને નથી કશી ઉતાવળ કે નથી 

મોડું થઇ જશે એવી બીક . 

        એ જોઈ મને થાય છે કે સ્લેટ બ્લેટ  ફેકી દઈને આવી રીતે ફેરી  

લઈને ફર્યા કરું !

       સાડા ચાર વાગે , હાથ શાહીવાળા કરીને જયારે હું ઘરે પાછો 

ફરતો હોઉં છું , ત્યારે બાબુઓના પેલા ફૂલબાગમાં કોદાળી લઈને  

માળી માટી ખોદતો હોય છે . 

        વખતે કોદાળી પગ પર પડે એ બીકે કોઈ એને રોકતું નથી .

         એના શરીર પર ને માથા પર કેટલીયે ધૂળ લાગે છે , પણ એ 

માટે  કોઈએ આવીને એને વઢતું નથી ! નથી માં એને ચોખ્ખા લૂગડાં 

પહેરાવતી , કે નથી એની ધૂળ રેત ધોઈ નાખવાની ઈચ્છા કરતી . 

            એ જોઈ મને થાય છે કે હું જો બાબુઓના એ ફૂલ બાગનો 

માળી  હોત તો કેવું સારું !

             જરા રાત થઇ ન થઇ ત્યાં તો માં મને ઊંઘાડી દેવાનું કરે છે . 

હું બારીમાંથી  બહાર રસ્તા પર જોઉં છું તો પહેરાવાળો  માથે પાઘડી      

પહેરીને જતો હોય છે .

          ગલીમાં અંધારું છે . લોકોની અવરજવર બહુ નથી , ગેસની 

બત્તી  ધીમી ટમટમ બળે છે . એ પહેરાવાળો હાથમાં ફાનસ 

ઝૂલાવતો અમારા ઘરના દરવાજે ઉભો રહે છે. રાતના દશ 

અગિયાર વાગી જાય છે . પણ એ માટે એને કોઈએ કશું કહેતું નથી . 

        એ જોઈ મને એમ થાય કે હુયે પહેરાવાળો બની ગલીના નાકે 

મારી મરજી પ્રમાણે જાગું ! ! !

                                        - રવીન્દ્રનાથ ટાગોર 
                                     અનુ . રમણલાલ સોની 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો